









પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદરમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોરબંદરના એરપોર્ટ રોડ પર આજે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. રસ્તા પર કાચ અને બાઇકના પાટ્સ વિખેરાયા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઇને પડ્યા હતા.સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાનોને 108 ની મદદથી સારવાર અર્થે પોરબંદરનઇ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનના મોત થયા હતા. જ્યારે અન્ય એક યુવાને વધુ સારવાર માટે જામનગર ખસેડાયો હતો પરંતુ ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું.
સ્પ્લેન્ડર પર સવાર ત્રણ લોકો રાણાવાવમાં પરિવારને ત્યાં શોકના ભજન રાખ્યા હતા ત્યાં જઇને પરત આવી રહ્યા હતા. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. જેમાંથી બે લોકોનાં મોત થયા છે, જ્યારે એક હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. બીજો બાઇકચાલક પોરબંદરથી રાણાવાવ તરફ જતો હતો. આ બાઇક પર બે લોકો સવાર હતા. જે બંનેનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે.અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે:
1.પિયુષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. 24) (સારવાર માટે હોસ્પિટલ ખસેડતાં રસ્તામાં મોત)2. દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. 18)3.મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. 26) (4)વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. 17)
તબીબોએ આ ચારેય યુવાનને મૃત જાહેર કરતાં હોસ્પિટલ પરિસરમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya