સુત્રાપાડામાં બરડા દેવ મંદિર તરફના રસ્તાની દુર્દશા, જંગલી પ્રાણીઓના આંટાફેરાથી ભયનો માહોલ
સોમનાથ,6 એપ્રિલ (હિ.સ.) સુત્રાપાડા શહેરમાં આવેલ સર્વે હિંદુ સમાજના આરાધ્ય દેવ બરડા દેવ મંદિર તરફ જતા માર્ગની હાલત દિવસેને દિવસે ખરાબ બની રહી છે, જેના કારણે શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મંદિર પૌરાણિક અને
સુત્રાપાડામાં બરડા દેવ મંદિર તરફના રસ્તાની દુર્દશા:


સોમનાથ,6 એપ્રિલ (હિ.સ.) સુત્રાપાડા શહેરમાં આવેલ સર્વે હિંદુ સમાજના આરાધ્ય દેવ બરડા દેવ મંદિર તરફ જતા માર્ગની હાલત દિવસેને દિવસે ખરાબ બની રહી છે, જેના કારણે શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મંદિર પૌરાણિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હોવાથી વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ઉપરાંત નિવેદ, ખીચડી સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

નગરપાલિકા દ્વારા મંદિર સુધી પહોંચવા માટે સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હોવા છતાં હાલ રસ્તાની બંને બાજુએ બાવળો, ઝાડીઓ અને ઝાંખરાઓ મોટા પ્રમાણમાં ઉગી નીકળવાના કારણે માર્ગ સંકુચિત બની ગયો છે. પરિણામે વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને રાત્રિના સમયે આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સિંહ તેમજ દીપડાઓ જેવા જંગલી પ્રાણીઓના આંટાફેરા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ વ્યાપી રહ્યો છે. આવી સ્થિતિમાં મંદિર તરફનો રસ્તો ખુલ્લો અને સુરક્ષિત રાખવો અત્યંત જરૂરી બની જાય છે.

મોટા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન હજારો લોકો અને વાહનોની અવરજવર થતી હોય છે, ત્યારે સંકુચિત માર્ગને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. આ પરિસ્થિતિ ધાર્મિક સ્થળ માટે અનુકૂળ ન ગણાય અને તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓએ સુત્રાપાડા નગરપાલિકા તંત્રને તાત્કાલિક અસરથી રસ્તાની બંને બાજુએ ઉગેલા બાવળો, ઝાડીઓ અને ઝાંખરાઓ દૂર કરી માર્ગને સાફ-સૂથરો અને પહોળો બનાવવા માંગ કરી છે. સાથે સાથે રાત્રિ દરમિયાન લાઇટિંગની સુવિધા તથા સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને મંદિરે આવી શકે.

સ્થાનિક લોકોનું માનવું છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande