ભુજમાં વિશ્વ જિયોલોજિસ્ટ ડેની ઉજવણી, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ચિંતનનો ઉત્સાહ વધ્યો
કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : ભુજ સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે વિશ્વ જિયોલોજિસ્ટ ડે નિમિત્તે વિશેષ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને જિયોલોજી વિષય પ્રત્યે પોતાની જિજ્ઞાસા વધુ મજબૂત બનાવી હ
Bhuj 1


Bhuj 2


કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : ભુજ સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે વિશ્વ જિયોલોજિસ્ટ ડે નિમિત્તે વિશેષ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને જિયોલોજી વિષય પ્રત્યે પોતાની જિજ્ઞાસા વધુ મજબૂત બનાવી હતી.

કાર્યક્રમમાં ક્રાંતિગુરૂ શ્યામજી ક્રિષ્ના વર્મા કચ્છ યુનિવર્સીટીના જિઓસાયન્સિસ વિભાગના વિદ્યાર્થીઓનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. શરૂઆત માર્ગદર્શિત ગેલેરી મુલાકાતથી થઈ, જ્યાં વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો વિશે નિષ્ણાતો દ્વારા વિગતવાર સમજ આપવામાં આવી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પૃથ્વીના રચનાત્મક તત્વો, ખનિજ, ભૂકંપીય પ્રવૃત્તિઓ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ અંગે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું.

કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે ક્વિઝ સ્પર્ધા અને ટ્રેઝર હન્ટ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. ક્વિઝમાં નિશાંત ઠક્કરે ઉત્તમ પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ટ્રેઝર હન્ટમાં ઋતિકાબેન નાથ, અમૃત ભંભી, કનૈયા ગઢવી, બિજિત પેગુ, હિમાન્શુ બોરુઆ અને ભાર્દ્વાજગીરી ગોસ્વામીની ટીમ વિજેતા બની હતી. તમામ સ્પર્ધકોનો ઉમંગ અને સ્પર્ધાત્મક ભાવનાએ કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.

આ અવસરે જિઓસાયન્સિસ વિભાગના ફેકલ્ટી સભ્યો અને પીએચ.ડી. સંશોધકો—મહોર વિનમ્રતા, ઝીલ નારિયા, દ્રષ્ટિ ગોસ્વામી, મનીષ રાજપુરોહિત અને તયસીબ પઠાણ—ની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. તેમના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.

વિશ્વ જિયોલોજિસ્ટ ડેની ઉજવણીના આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા, જિયોલોજી પ્રત્યે રસ વધારવા અને પ્રાયોગિક અભ્યાસ તરફ પ્રેરણા આપવા મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું. અંતે આયોજકો તરફથી તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande