
કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાં પ્રોહીબીશન વિરુદ્ધ સખત કાર્યવાહી હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચે નોંધપાત્ર સફળતા મેળવી છે. જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારને કાબૂમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે એલસીબીની ટીમ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી હતી.
આ દરમિયાન ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે એક શખ્સ કાળા રંગની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાપર તરફથી રવ ગામ તરફ લઈ જઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે સતર્કતા વધારી અને શંકાસ્પદ વાહન પર નજર રાખી.
થોડી જ વારમાં બાતમી મુજબની ઓટો રીક્ષા નજરે પડતા પોલીસ ટીમે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે વાહન ઉભું રાખવાને બદલે ઝડપ વધારી નાસવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ એલસીબી ટીમે તરત જ પીછો શરૂ કર્યો. રવ ગામ નજીક આવેલા જાડેજા ફાર્મહાઉસ પાસે આરોપીઓએ ઓટો રીક્ષા છોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જવાનોએ દોડધામ કરીને એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીની ઓળખ વંશ રમેશભાઈ છેડા (ઉંમર ૨૨, રહે. રવ, તા. રાપર) તરીકે થઈ છે.
તપાસ દરમિયાન ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૫૦૦ એમ.એલ.ના ૧૨૦ બિયર ટીન, એક ઓટો રીક્ષા અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૯૧,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ફરાર આરોપીઓમાં વિરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા (રહે. થરા) સહિત બે અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે, જેઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ તથા ટીમના અન્ય સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. હાલ આ કેસની વધુ તપાસ માટે મામલો રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar