
મહેસાણા, 06 એપ્રિલ (હિ.સ.) મહેસાણા શહેરમાં હિટ એન્ડ રન જેવી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા અર્ટિગા કાર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતાં એક પશુપાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ મામલે ઇજાગ્રસ્ત દ્વારા મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા અને પશુપાલન વ્યવસાય કરતા 50 વર્ષીય લાલજીભાઈ રબારી 2 એપ્રિલ 2026ના રોજ સાંજે આશરે 7 વાગ્યે પોતાના એક્ટિવા નંબર GJ-18-FD-9123 પર દૂધ ભરાવવા લાખવડ ગામ જઈ રહ્યા હતા. તે દરમિયાન લાખવડ રોડ પર આવેલા પશુ દવાખાના નજીક અચાનક પૂરઝડપે આવેલી સફેદ અર્ટિગા કાર (નંબર GJ-24-X-6632) એ તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં લાલજીભાઈ રોડ પર પટકાતા તેમને ડાબા હાથ, પગ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તે બૂમાબૂમ કરતાં પડોશી નીતિનભાઈ રબારી મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને મહેસાણાની પાર્શ્વ સ્પાઇન ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR