
મહેસાણા, 06 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કલોલ શહેર વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના ગુનાઓને અંજામ આપનાર એક ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણાની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીના કુલ 3 મોટરસાયકલ સાથે રૂ. 60,000 કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કલોલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો હતો. જેના આધારે એલસીબી ટીમે સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન શંકાસ્પદ હલચલના આધારે એક ઈસમને ઝડપી પાડીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરી કરવાની કબૂલાત આપી હતી.
આરોપીની નિશાનદેહી પરથી પોલીસે 3 ચોરીની બાઇકો કબજે કરી છે. આ કામગીરીથી વિસ્તારમાં ચાલતી બાઇક ચોરીની ઘટનાઓ પર અંકુશ લાગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR