

મહેસાણા, 06 એપ્રિલ (હિ.સ.) મહેસાણા ખાતે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અને જાયન્ટ્સ મહેસાણા દ્વારા નવનિર્મિત ‘પી. વી. પટેલ (દાણોદરડા) ફિઝિયોથેરાપી સેન્ટર’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના પરશુરામ ગાર્ડન સામે, ટી. બી. રોડ પર સ્થિત આ ફિઝિયોથેરાપી સેન્ટર હવે મહેસાણા તથા આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક સારવારની સુવિધા પૂરી પાડશે. ખાસ કરીને અકસ્માત, હાડકાંની તકલીફો અને ન્યુરોલોજિકલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે આ સેન્ટર મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે આવા સેવાકીય પ્રકલ્પો અત્યંત જરૂરી છે. સમાજના તમામ વર્ગોને સરળ અને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવી એ સમયની માંગ છે.
આ પ્રકલ્પને સફળ બનાવવા માટે જાયન્ટ્સ મહેસાણા પરિવારના પ્રયાસોની પ્રસંશા કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોમાં પણ આ નવી સુવિધા અંગે ખુશીની લાગણી જોવા મળી હતી. ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR