
મહેસાણા, 06 એપ્રિલ (હિ.સ.) મહેસાણા નજીક આવેલા ઉચરપી ગામના ખેડૂતોમાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે રિંગ રોડ સહિતના નવા પ્રોજેક્ટ્સ બિનજરૂરી છે, કારણ કે ગામની નજીકથી પહેલાથી જ અનેક હાઈવે પસાર થઈ રહ્યા છે. આ મુદ્દે ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી પ્રોજેક્ટ રદ કરવાની માંગ ઉઠાવી છે.
ખેડૂત આગેવાનો ભરતભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામના મોટાભાગના ખેડૂતો પાસે માત્ર 2 થી 4 વીઘા જેટલી જ જમીન છે. જો આ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે તો 60 ટકા કરતાં વધુ ખેડૂતો જમીનવિહોણા બની જશે, જેના કારણે ખેતી અને પશુપાલન બંને પર ગંભીર અસર પડશે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ગામની આસપાસ ભારતમાલા હાઈવે, શામળાજી-હિંમતનગર હાઈવે, મહેસાણા રિંગ રોડ અને ટીપી સ્કીમના બે રોડ સહિત કુલ પાંચ મોટા રસ્તાઓ એક કિલોમીટરથી ઓછા અંતરે પસાર થવાના છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ટીપી સ્કીમથી પહેલાથી જ 40 ટકા જમીન કપાતમાં ગઈ છે.
આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને જો માંગણીઓ ન સ્વીકારાય તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR