


-મુસ્લિમ મહિલાએ ભગવો ધ્વજ થાંભલા પરથી ઉતારી નીચે ફેંકતા ભારે રોષ
-પહેલા ચાર જેટલા બાળકોએ રસ્તા પરનો ભગવો ધ્વજ ઉતારવા બેથી ત્રણ વખત પ્રયાસ કર્યો
-આ સમગ્ર હિન્દુ ધર્મ વિરોધી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે જે બનાવ ધિક્કારને પાત્ર છે
ભરૂચ 06 એપ્રિલ (હિ.સ.) અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલી એક સોસાયટીમાં ધાર્મિક ધ્વજ ઉતારી તેને અપમાનિત કરવાના મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે લગાડવામાં આવેલા ભગવા ધ્વજને એક મુસ્લિમ મહિલાએ ઉતારી નીચે ફેંકી દીધો હોવાનો વીડિયો વાયરલ થતા સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જીતાલી ગામ સ્થિત 'સ્વીટ ડ્રીમ સીટી સોસાયટી' માં હનુમાન જયંતીના પર્વને લઈ ઉત્સાહનો માહોલ હતો. રહીશો દ્વારા સોસાયટીના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાના પ્રતીક રૂપે ભગવા ધ્વજ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાં જ રહેતી એક મુસ્લિમ મહિલાએ વીજ પોલ પર ચઢીને ત્યાં લગાવેલો ભગવો ધ્વજ નીચે ઉતારી જમીન પર ફેંકી દીધો હતો.
સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, મહિલાએ માત્ર ધ્વજ ઉતાર્યો જ નહીં, પરંતુ તેને પગ તળે કચડીને અપમાનિત પણ કર્યો હતો. આ ઘટના જ્યારે એક રાહદારી મહિલાએ જોઈ ત્યારે તેણે મુસ્લિમ મહિલાને અટકાવવા પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિવાદ વધુ વકર્યો હતો.
CCTV ફૂટેજ વાયરલ થતા ઉશ્કેરાટ
આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મામલો ગરમાયો હતો. હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોનો આક્ષેપ છે કે આ કૃત્ય દ્વારા તેમની ધાર્મિક લાગણીઓને જાણીબૂઝીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અંકલેશ્વર રૂરલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોસાયટીમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
સોસાયટીના રહીશોમાં હજુ પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી મહિલા સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.કોઈપણ ધર્મ કે આસ્થાના પ્રતીકોનું અપમાન કરવું એ સામાજિક શાંતિ અને ભાઈચારા માટે જોખમી છે. લોકશાહી દેશમાં દરેકને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે, પણ સાથે જ બીજાની આસ્થાનું સન્માન કરવું એ નૈતિક અને કાયદાકીય ફરજ પણ છે. ભારતની ધરતી પર રહીને અહીંના સામાજિક માળખાને નુકસાન પહોંચાડવું કે કોઈની આસ્થાનું અપમાન કરવું એ સ્વીકાર્ય નથી. યોગ્ય તપાસ અને કાયદાકીય કાર્યવાહી દ્વારા જ આવા તત્વોને બોધપાઠ આપી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ