
- કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન
અમદાવાદ, 06 એપ્રિલ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપનયુનિવર્સિટી, અમદાવાદ ખાતે “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્જનાત્મક કાર્ય કરનાર કન્ટેન્ટ ક્રિએટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે.સોશિયલ મીડિયા આજે રમતગમત, સંસ્કૃતિ અને સમાજજીવન સાથે જોડાઈને વિશ્વ સાથે સંવાદ સ્થાપિત કરી રહ્યું છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા સર્જનાત્મકતા વૈશ્વિક સ્તરે પહોંચે છે. તેમણે કન્ટેન્ટ ક્રિએટરોને અપીલ કરી કે તેમના સર્જનમાં સમાજહિત અને “રાષ્ટ્ર પ્રથમ”નો અભિગમ હોવો જોઈએ.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કન્ટેન્ટ ક્રિએટરો આજના યુગમાં “વન મેન આર્મી” સમાન છે. તેમની રચનાત્મકતા નવા વિચારોને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક ભાષા તથા સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે લઈ જવાની શક્તિ ધરાવે છે. “વોકલ ફોર લોકલ”
અભિયાનને મજબૂત બનાવવામાં પણ કન્ટેન્ટ ક્રિએટરો બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેડકર, ગુજરા પ્રાંત સંઘચાલક ડો.ભરત પટેલ, ગુજરાત પ્રાંત સહકાર્યવાહ ડો.સુનિલ બોરીસા, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ