
જુનાગઢ, 6 એપ્રિલ (હિ.સ.) : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું, જિલ્લા પંચાયતની ૩૦, જિલ્લાની તમામ નવ તાલુકા પંચાયતની ૧૫૮, કેશોદ નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકોની સામાન્ય ચૂંટણી અને બાંટવા નગરપાલિકાના ૧ બેઠકની પેટા ચૂંટણી યોજવા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તા.૨૬મી એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કુલ ૮.૨૫ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં જિલ્લા- તાલુકા પંચાયતના કુલ ૭, ૭૧,૦૨૯ અને કેશોદ નગરપાલિકાના ૫૩,૪૯૫ મતદારો ઉપરાંત બાંટવા નગરપાલિકાની પેટા ચૂંટણીના ૧૨૬૨ મતદારોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, આ સમગ્ર ચૂંટણી માટે ૧૦૧૦ મતદાન મથકો પર મતદાન થશે. જેમાં જિલ્લા- તાલુકા પંચાયતના ૯૫૦ અને નગરપાલિકાના ૬૦ મતદાન મથકોનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટરએ ખાસ તા.૨૬મી એપ્રિલે તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે ૭ કલાકે થી સાંજના ૬ કલાક દરમિયાન મતદાન કરી શકાશે.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. ૧૧ એપ્રિલ, ઉમેદવારી પત્રો ચકાસણીની તા.૧૩ એપ્રિલ અને ઉમેદવારોએ પોતાના નામાંકન પરત ખેંચવાની તા.૧૫ એપ્રિલ છે. ત્યારબાદ તા.૨૬મી એપ્રિલે મતદાન અને તા.૨૮ એપ્રિલના રોજ મત ગણતરી થશે.
આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો મુજબ જિલ્લા પંચાયતના ઉમેદવાર ૬ લાખ, તાલુકા પંચાયતના ઉમેદવાર ૩ લાખની મર્યાદામાં ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરી શકશે, કેશોદ નગરપાલિકાના ઉમેદવાર ૨.૨૫ લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે.
જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઇવીએમ દ્વારા ચૂંટણી પ્રક્રિયા થવાની છે. આ માટે રિઝર્વ સહિત ૨૧૩૮ બી. યુ. (બેલેટ યુનિટ) અને તેટલા જ સી. યુ. (કંટ્રોલ યુનિટ) ઉપલબ્ધ છે. તેવી રીતે કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને બાંટવા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી માટે ૮૧ સી.યુ. અને અને ૧૬૨ બી.યુ. ઉપલબ્ધ છે.
જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વર્ગ-૧ના અધિકારીઓ ચૂંટણી અધિકારી તરીકે અને વર્ગ-૨ના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે. તાલુકા પંચાયત ચૂંટણીમાં વર્ગ-૨ના અધિકારી ચૂંટણી અધિકારી રહેશે અને વર્ગ-૩ના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ