
અમરેલી,07 એપ્રિલ (હિ.સ.) સરોવરો, હરિયાળો પર્યાવરણ અને ત્યાં આવતા વિદેશી પક્ષીઓ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા સાવરકુંડલામાં શિક્ષણ સાથે સંસ્કાર અને પ્રયોગાત્મક જ્ઞાનનો સુમેળ સાધવાના ઉદ્દેશ્ય સાથે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના શિવાજીનગર માધવાણીની વાડી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર 7ના ધોરણ 7 અને 8ના આશરે 100 વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે પ્રેરણાદાયી શૈક્ષણિક પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન નિવૃત્ત ફૌજી અતુલભાઈ જાનીના સહયોગથી નિઃશુલ્ક રીતે કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ હેતની હવેલી ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓએ જળ સંરક્ષણની અનોખી પહેલને નજીકથી નિહાળી. હેતની હવેલીના સુંદર સરોવરો, હરિયાળો પર્યાવરણ અને ત્યાં આવતા વિદેશી પક્ષીઓ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે માત્ર પ્રવાસ નહિ પરંતુ પ્રયોગાત્મક શિક્ષણનો અનોખો અનુભવ સાબિત થયો હતો.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લાના પૌરાણિક આટાળીયા મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા, જેના દ્વારા બાળકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન પણ કરવામાં આવ્યું. દુધાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો અને મનોરંજનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સૌને પ્રેમપૂર્વક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.
આ આયોજન પાછળ નિવૃત્ત ફૌજી અતુલભાઈ જાનીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં માનસિક રીતે તાજગી અને આનંદ પ્રાપ્ત થાય તેવો હતો. તેમનું માનવું છે કે ખુશમિજાજ અને એકાગ્ર મનથી અભ્યાસ કરનાર વિદ્યાર્થી વધુ સારા પરિણામ મેળવી શકે છે. સાથે સાથે પુસ્તકી જ્ઞાન ઉપરાંત પ્રત્યક્ષ અનુભવો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું પણ એટલું જ જરૂરી છે.
હેતની હવેલીના સંચાલન સાથે જોડાયેલા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તથા તેમના પરિવારજનોએ આ આયોજનમાં સહકાર આપીને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય રાજુ જેઠવા, શિક્ષિકા કોમલ ગજેરા, શિક્ષક કમિલ રાઠોડ, નેહાબેન ગજેરા તેમજ અતુલ જાનીના સહયોગીઓ અમિતગીરી ગોસ્વામી પત્રકાર, ગૌસેવક જયેશ માટલીયા, હિતેષ ઝારાવાળા, મનોજ ત્રિવેદી, હિતેષ જ્યાણી, ભાવેશ સગર અને એસ.ટી. ડ્રાઈવર અશોક બોરીચાનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આવો પ્રેરણાદાયી પ્રયાસ શિક્ષણક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai