
ભાવનગર, 07 એપ્રિલ (હિ.સ.)નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર હાઈકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાનૂની સેવાઓને વધુ અસરકારક અને લોકો સુધી સુલભ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે મલ્ટીપર્પઝ વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ અને નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટીના કાર્યકારી અધ્યક્ષ જસ્ટીસ વિક્રમનાથ, તેમજ ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિ રહી હતી.આ યોજના અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ભાવનગરને પણ ૧ મલ્ટીપર્પઝ વ્હીકલ ફાળવવામાં આવ્યું છે. આ વાહન દ્વારા ભાવનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને કાનૂની સહાય, મફત સલાહ અને જાગૃતિ અંગેની સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ પહેલના પરિણામે સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના લોકો માટે ન્યાય સુધી પહોંચ વધુ સરળ અને ઝડપી બનશે. સાથે જ કાયદાની જાગૃતિ વધારવા અને ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ મજબૂત કરવા આ પગલું ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT