
અમરેલી,08 એપ્રિલ (હિ.સ.)
અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં માત્ર ચાર કલાકના ગાળામાં કુલ 7 આંચકા નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 4:15 વાગ્યે 1.8 તીવ્રતાનો પ્રથમ આંચકો આવ્યો હતો, ત્યારબાદ 4:16 વાગ્યે 2.3 તીવ્રતાનો આંચકો અનુભવાયો. 4:24 વાગ્યે 1.0, 4:57 વાગ્યે 1.4, સવારે 7 વાગ્યે 2.2, 7:15 વાગ્યે સૌથી વધુ 3.58 તીવ્રતાનો આંચકો અને અંતે 7:51 વાગ્યે 1.5 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
આ આંચકાઓ મીતીયાળા સાથે ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા. સતત આવતા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 43 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. Gandhinagar Seismology Department દ્વારા આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાનું સામે આવ્યું નથી, પરંતુ પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai