ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીમાં ‘આપ’નો જોરદાર પ્રવેશ: 13 વોર્ડ માટે 40 ઉમેદવાર જાહેર, ડોર-ટુ-ડોર પ્રચારથી જીતનો દાવો
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ પણ મજબૂત હાજરી નોંધાવી છે. પક્ષ દ્વારા શહેરના 13 વોર્ડ માટે કુલ 40 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકા
AAP


કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ પણ મજબૂત હાજરી નોંધાવી છે. પક્ષ દ્વારા શહેરના 13 વોર્ડ માટે કુલ 40 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે.

પક્ષના પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે અને પૂર્ણ શક્તિ સાથે ચૂંટણી લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ‘આપ’ને બહુમતી સાથે જીતાડશે.

ડો. અંસારીએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ દ્વારા વિરોધી ઉમેદવારોને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે જો પક્ષના કાર્યકરો કે ઉમેદવારોને દબાણમાં લેવા અથવા ધરપકડ કરવાની કોશિશ થશે, તો પણ ‘આપ’ ડરશે નહીં અને લોકશાહી રીતે તેનો સામનો કરશે.

વધુમાં તેમણે જણાવ્યું કે ઉમેદવારોના નામાંકન ફોર્મ રદ કરાવવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, પરંતુ પાર્ટી દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ચૂંટણીમાં ‘આપ’ દ્વારા વ્યૂહાત્મક રીતે ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે, જેમ કે અગાઉ વિસાવદર વિસ્તારમાં સફળતા મળી હતી.

આ પ્રસંગે પક્ષના મહામંત્રી નીલેશ મહેતા પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ કાર્યકરોમાં ઉત્સાહ ભરી જીત માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી.

ગાંધીધામમાં આ વખતે ત્રિપક્ષીય જંગ સર્જાવાની શક્યતા છે, જેમાં આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. હવે જોવું રહ્યું કે મતદારો આ નવા વિકલ્પને કેટલી સ્વીકારતા આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande