
અમરેલી, 08 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાંથી ફરી એકવાર નશીલા પદાર્થો સામેની કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. લાઠીના ચાવંડ માર્ગ પર આવેલી એક વાડીમાં લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી અમરેલી એસ.ઓ.જી. દ્વારા હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ધીરુભાઈ કોટડીયાની વાડીમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે રેડ દરમિયાન નાના-મોટા મળી કુલ 6 ગાંજાના છોડ ઝડપ્યા હતા. સ્થળ પરથી આશરે 12 કિલો જેટલું ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત લગભગ 6 લાખ રૂપિયા થાય છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારબાદ એસ.ઓ.જી. દ્વારા NDPS કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાયદાકીય કાર્યવાહી માટે આરોપીને લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે જણાવ્યું છે કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને વાવેતર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. તેમજ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai