
ભાવનગર, 07 એપ્રિલ (હિ.સ.) વિશ્વ આરોગ્ય દિવસના અવસરે તા. 07 એપ્રિલ, 2026 (મંગળવાર)ના રોજ મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગરના ઑડિટોરિયમ હોલમાં મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા મંડલ રેલવે હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજ કુમારની દેખરેખમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષની થીમ “Together for Health – Stand with Science” રહી, જેનો હેતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દ્વારા આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ડૉ. કૃપા (ઈએનટી સર્જન) દ્વારા કરવામાં આવી. તેમણે કાર્યક્રમનો પરિચય આપતા આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
આ પ્રસંગે ડૉ. સંદીપ (DMO, ભાવનગર) અને ડૉ. મોનિકા (DMO, ભાવનગર) દ્વારા વિસ્તૃત અને જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો આપવામાં આવ્યા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રમાં વૈજ્ઞાનિક તથ્યો અને પ્રમાણ આધારિત ચિકિત્સા (Evidence-Based Medicine)નું પાલન ખૂબ જ જરૂરી છે. સાથે જ તેમણે અફવાઓ, ભ્રામક માહિતી અને સોશિયલ મીડિયા પર પ્રસરી રહેલી ખોટી આરોગ્ય સલાહોથી દૂર રહેવા અપીલ કરી.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્વસ્થ જીવનશૈલી માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, માનસિક આરોગ્યનું ધ્યાન અને સમયાંતરે આરોગ્ય તપાસ અત્યંત જરૂરી છે. તેમણે હાજર કર્મચારીઓ અને દર્દીઓને વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવા તથા આરોગ્ય સંબંધિત નિર્ણયો નિષ્ણાતોની સલાહથી લેવા પ્રેરણા આપી.
કાર્યક્રમના અંતે રેલવે હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આ વર્ષની થીમ આધારિત એક અસરકારક નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું. નાટક દ્વારા “Together for Health – Stand with Science” નો સંદેશ સરળ અને રસપ્રદ રીતે રજૂ થયો, જેનાથી ઉપસ્થિત દર્શકોમાં જાગૃતિ ફેલાઈ તેમજ તેમનું મનોરંજન પણ થયું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે વિજ્ઞાન આધારિત વિચારધારા અપનાવવાનો સંકલ્પ લીધો.
“સ્વસ્થ સમાજ માટે વિજ્ઞાન સાથે ચાલો।”
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ