સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત થયેલી અને કરવામાં આવનાર કામગીરી અંગે જિલ્લા કલેકટર-જિલ્લા ચૂંટણી અધિકારીએ આપી માહિતી
જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે જામનગર જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્
કલેકટર કચેરી જામનગર


જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે જામનગર જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.

જામનગર મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા વિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓએ પોતપોતાની કામગીરી વેગવંતી બનાવી દીધી છે.

કલેકટર પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી ચૂંટણી કાર્યક્રમ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, જામનગર જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ નિયત કરવામાં આવી છે, ત્યારબાદ તા.૧૩ એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે અને તા.૧૫ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં પુનઃ મતદાનની જરૂરિયાત ઊભી થાય તો તે માટે તા.૨૭ એપ્રિલનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ મતદારોના આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડમાં કુલ ૪,૪૨,૮૨૯ મતદારો નોંધાયેલા છે, જેમના માટે ૪૧૪ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી જ રીતે, જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને ૬ તાલુકા પંચાયતની કુલ ૧૧૨ બેઠકો માટે ૭૧૨ મતદાન મથકો પર ૫,૨૬,૫૬૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, સિક્કા નગરપાલિકાના ૭ વોર્ડમાં ૨૨ મતદાન મથકો પર ૧૯,૪૦૯ મતદારો નોંધાયા છે.

કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande