પરવાનગી વગર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ: પશ્ચિમ કચ્છ SOGની કાર્યવાહી, એક યુવક સામે ગુનો નોંધાયો
કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) :કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોવાને કારણે દેશની સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. આ કારણે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છના કેટલાક વિસ્તારોને પ્રતિબંધિત (નોટીફાઇડ) જાહેર કરવામાં આવ્યા
Restricted


કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) :કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોવાને કારણે દેશની સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. આ કારણે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છના કેટલાક વિસ્તારોને પ્રતિબંધિત (નોટીફાઇડ) જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં પ્રવેશ માટે પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે. છતાં પણ આવા નિયમોનો ભંગ થતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

તાજેતરમાં પશ્ચિમ કચ્છ SOG દ્વારા આવી જ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ SOGની ટીમ નારાયણસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે તેમને એક શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી મળી. આ બાતમીના આધારે ટીમ લખપત તાલુકાના પીપર ગામ તરફ પહોંચી તપાસ હાથ ધરી.

તપાસ દરમ્યાન એક યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની ઓળખ તાલીફખાન ફિરોઝખાન મુસ્લિમ તરીકે થઈ, જે હાલ સિકંદરાબાદ (તેલંગાણા) ખાતે રહે છે અને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તે કોઈપણ અધિકૃત પરવાનગી લીધા વિના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ્યો હતો.

આ કૃત્ય કાયદેસર જાહેર કરાયેલા નોટીફિકેશનનો ભંગ ગણાતા પોલીસે તરત જ તેના વિરુદ્ધ નારાયણસરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આ મામલે આગળની તપાસ SOGના અધિકારી એ.એસ.આઈ. માણેકભાઈ ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં વધતા ઔદ્યોગિક અને પર્યટન વિકાસને કારણે બહારથી આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પ્રતિબંધિત વિસ્તારોમાં કડક નજર રાખવી જરૂરી બની છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધી નજરે ચડે તો તરત જ પોલીસને જાણ કરવી. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે, જેથી લોકો નિર્ભય બનીને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande