
કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) : ભુજમાં સોશ્યલ મીડિયા મારફતે લોકોને લોભામણી ઓફરો આપી છેતરપીંડી કરવાનો પ્રયાસ કરનાર એક યુવાનને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસે સમયસર હાથ ધરી મોટી છેતરપીંડી અટકાવવામાં સફળતા મેળવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમે જિલ્લામાં વધતી આવી છેતરપીંડીની પ્રવૃત્તિઓને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી હતી. આરોપી દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ફેસબુકમાં ખોટી આઈડી બનાવી, નકલી ભારતીય ચલણી નોટો અને સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી.
આ બાતમીના આધારે, એ.એસ.આઈ. નિલેશભાઈ ભટ્ટ અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ભુજના લેકવ્યુ હોટેલ ત્રણ રસ્તા નજીક પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાંથી મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે મોસીમ કરીમ સુમરા (ઉંમર ૨૨), રહેવાસી સંજોગનગર, ભુજને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન આરોપીના મોબાઇલ ફોનમાંથી “Hardik patel” નામની ફેસબુક આઈડી મળી આવી હતી, જેમાં “એક લાખના બદલે પાંચ લાખ” નકલી નોટો આપવાની જાહેરાતો તેમજ સોનાના બિસ્કિટના ફોટા પોસ્ટ કરાયેલા હતા. આ પોસ્ટો દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા અને પૈસા પડાવવા માટે આરોપી સતત પ્રયત્નશીલ હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તે આ પ્રકારની લાલચ આપી લોકો સાથે સંપર્ક સાધતો અને છેતરપીંડી કરવાનો પ્રયાસ કરતો હતો. આ રીતે લોકો પાસેથી નાણાં મેળવવાનો તેનો મુખ્ય હેતુ હતો.
આ મામલે ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) અને ૬૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ ફોન (કિંમત અંદાજે રૂપિયા ૫,૦૦૦) જપ્ત કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar