
વલસાડ, 08 એપ્રિલ (હિ.સ.): વલસાડ શહેરમાં નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરમાં મંગળવારે મોડી રાત્રે એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલી મોપેડ કાટમાળ નીચે દબાઈ જતા નુકસાન થયું, પરંતુ સમય રાત્રિનો હોવાથી ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ.
માહિતી મુજબ, આશરે 30થી 40 વર્ષ જૂનું આ બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત સ્થિતિમાં હતું. છતમાંથી પાણી લીક થવાને કારણે લોખંડના સળિયામાં જંગ લાગી ગયો હતો, જેના કારણે ગેલેરીનો ભાગ નબળો પડીને તૂટી ગયો. ઘટના બાદ સ્થાનિક પ્રતિનિધિઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ બનાવને ગંભીરતાથી લેતા નગરપાલિકાએ તેના તમામ શોપિંગ સેન્ટરોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાની જાહેરાત કરી છે. જે ઇમારતોની મરામત શક્ય હશે તે તાત્કાલિક સુધારાશે, જ્યારે અત્યંત જોખમી ઇમારતોને તોડી પાડવામાં આવશે. સાથે જ દુકાનદારો અને ભાડુઆતોને સલામતી માટે તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે