
વલસાડ, 07 એપ્રિલ (હિ.સ.): વલસાડ જિલ્લાના નાનાપોંઢા નજીક વાપી–નાસિક સ્ટેટ હાઈવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. ઝડપી ગતિએ દોડતા કન્ટેનરે અચાનક નિયંત્રણ ગુમાવતા અનેક વાહનોને ટક્કર મારી હતી. ઘટનામાં સામેથી આવતા બીજા કન્ટેનર સાથે જોરદાર અથડામણ થતાં એક ચાલકનું સ્થળ પર જ મોત થયું, જ્યારે અકસ્માત સર્જનાર ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર ચાલક બ્રિજેશકુમાર શ્યામસીંગ કપરાડા તરફ જઈ રહ્યો હતો ત્યારે માંડવા કુંભઘાટ નજીક વાહન ઉપરથી કાબૂ ગુમાવ્યો. ત્યારબાદ તેણે ક્રમશઃ બે પીકઅપ અને એક ટેમ્પોને ટક્કર મારી, જેના કારણે રસ્તા પર માલસામાન ફેલાઈ ગયો અને અફરાતફરી મચી ગઈ. અંતે સામેથી આવતા બીજા કન્ટેનર સાથે અથડામણ થતા અકસ્માત વધુ ભયાનક બન્યો.
આ દુર્ઘટનાના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને નુકસાનગ્રસ્ત વાહનોને હટાવી માર્ગ વ્યવહાર સામાન્ય બનાવવા કામગીરી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે