
ગાંધીનગર, 07 એપ્રિલ (હિ.સ.) : ભારત સરકારના 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વેગ આપતા એક મહત્વપૂર્ણ પગલામાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) એ ભારતના પ્રથમ સ્વદેશી ઉડ્ડયન સુરક્ષા સાધનો પરીક્ષણ કેન્દ્રની સ્થાપના માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ કિંજરાપુ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં RRU ના વાઇસ ચાન્સેલર પ્રો. બિમલ એન. પટેલ અને BCAS ના સંયુક્ત મહાનિર્દેશક શ્રીમતી પ્રતિભા આંબેડકર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય એરપોર્ટ પર વપરાતા ફુલ બોડી સ્કેનર્સ (FBS) અને અન્ય સુરક્ષા સાધનોના પરીક્ષણ, પ્રદર્શન મૂલ્યાંકન અને પ્રમાણપત્ર માટે એક મજબૂત અને વૈજ્ઞાનિક માળખું તૈયાર કરવાનો છે. આ MoU હેઠળ, RRU ખાતે અત્યાધુનિક પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવશે જે વૈશ્વિક ધોરણો મુજબ સુરક્ષા ઉપકરણોની ચકાસણી કરશે. આ કેન્દ્ર મૂળ ઉપકરણ ઉત્પાદકો (OEMs) દ્વારા પૂરા પાડવામાં આવેલા સાધનોનું સ્વતંત્ર અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરી સરકારને રિપોર્ટ સોંપશે, જેથી માત્ર ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાધનો જ એરપોર્ટ પર તૈનાત થાય.
માત્ર પરીક્ષણ જ નહીં, પરંતુ આ સહયોગ સંશોધન, તાલીમ અને ક્ષમતા નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ કરાર દ્વારા બંને સંસ્થાઓ વ્યાવસાયિક કુશળતા વિકસાવવા માટે વિશેષ વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે. તે બદલાતા સુરક્ષા જોખમોને પહોંચી વળવા માટે નવીન ટેકનોલોજી અને પ્રોટોકોલ્સ વિકસાવવામાં પણ મદદરૂપ થશે. આ પગલાથી ભારતની વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટશે અને દેશની તકનીકી સાર્વભૌમત્વ વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે પ્રો. બિમલ પટેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્રની સ્થાપના સુરક્ષા ક્ષેત્રે ભારતની તૈયારી અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. ઉલ્લેખનીય છે કે, RRU એ ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે, જ્યારે BCAS એ ભારતના નાગરિક ઉડ્ડયન સુરક્ષા ધોરણો નક્કી કરતી સર્વોચ્ચ સંસ્થા છે. આ વ્યૂહાત્મક જોડાણથી આગામી સમયમાં ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થા વધુ સુરક્ષિત, પારદર્શક અને આધુનિક બનશે તેવી અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt