જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે પ્રચાર સાહિત્યના મુદ્રણ અને પ્રકાશન પર આવશ્યક પ્રતિબંધો મૂકાયા
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે પ્રચાર સાહિત્યના મુદ્રણ અને પ્રકાશન પર આવશ્યક પ્રતિબંધો મૂકાયા


જૂનાગઢ, 07 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની જુદી જુદી ચૂંટણીઓના અનુસંધાને જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે આવશ્યક પ્રતિબંધ મૂક્યા છે. ઉપરાંત ચૂંટણી દરમિયાન ચોપાનીયા, ભીંતપત્રો વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચારના સાહિત્યના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આચાર સંહિતાનું પાલન થાય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંત પત્રો વગેરે ના મુદ્રણ અને પ્રકાશન બાબતે નિયમન કરવું જરૂરી બની રહે છે.

જાહેરનામા મુજબ, કોઈપણ વ્યકિત જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના સ્પષ્ટ દેખાય આવે તે રીતે નામ-સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહી, કોઈપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રક ને આપી હોય અને,લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસની અંદર છાપકામ કરેલ લખાણની ચાર નકલો પ્રકાશકના એકરારની એક નકલ તથા મુદ્રકે છાપકામ કરેલ દસ્તાવેજોની નકલોની સંખ્યા અને મુદ્રક કામ અંગે થયેલ ખર્ચની વિગતો નમુના-ખ ની એક નકલ રાજયના પાટનગરમાં છાપવામાં આવ્યુ હોય ત્યારે રાજય ચૂંટણી આયોગ અને બીજે પ્રસંગે જે જિલ્લામાં છાપવામાં આવ્યુ હોય તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને.

આ હેતુ પુરતુ, હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને 'મુદ્રક' એ શબ્દનો તે પ્રમાણે અર્થ થશે અને ચૂંટણીને લગતુ ચોપાનીયું અથવા ભીંતપત્ર એટલે ઉમેદવાર કે ઉમેદવારોના જુથની ચૂંટણીની તકો વધારવા કે તેને પ્રતિકૂળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કોઈ છાપેલુ ચોપાનીયુ કે હેન્ડ બીલ અથવા અન્ય લખાણ અથવા ચૂંટણીને લગતુ ભીંતપત્ર એવો અર્થ થાય છે પરંતુ માત્ર ચૂંટણી સભાની તારીખ, સમય, સ્થળ અને બીજી વિગતો આપતા અથવા ચૂંટણી એજન્ટ કે કાર્યકરોને કામકાજ અંગેની સુચનાઓ આપતા હેન્ડબીલ સુત્ર પાટિયા કે ભીતપત્રોનો તેમાં સમાવેશ થતો નથી.

આ જાહેરનામું તા.૩૦-૦૪ -૨૦૨૬ સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande