
કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત સાથે જ કચ્છ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓએ જોર પકડ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક, નિષ્પક્ષ અને સુચારુ બનાવવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ચૂંટણી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ તબક્કો એટલે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી, જે સોમવારથી સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે. વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પ્રક્રિયા સરળ અને પારદર્શક રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચૂંટણીઓના સફળ સંચાલન માટે માનવબળ અને તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને જરૂરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત, આગામી દિવસોમાં મતદાન મથકો પર ફરજ બજાવનારા સ્ટાફની નિમણૂક સાથે તેમને પણ તાલીમ આપવામાં આવશે.
ચૂંટણી દરમિયાન વિવિધ કામગીરીનું અસરકારક સંચાલન થાય તે માટે ૧૦ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓને ઈવીએમ મશીનોની તૈયારી, આચારસંહિતાનું પાલન, તેમજ કર્મચારીઓની તાલીમ જેવી અગત્યની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં આ વખતે મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એકસાથે યોજાવાની હોવાથી મોટા પાયે સંસાધનો ફાળવવામાં આવ્યા છે. ચૂંટણી માટે આશરે ૪૦૦૦થી વધુ ઈવીએમ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં હાલ પ્રથમ સ્તરની ચકાસણી (FLC) પ્રક્રિયા ચાલુ છે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે લગભગ ૯૦૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજો સોંપવામાં આવનાર છે. વહીવટી તંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન અને મજબૂત વ્યવસ્થાપન સાથે લોકશાહીના આ પર્વને શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar