
કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) : કચ્છની પ્રતિષ્ઠિત Krantiguru Shyamji Krishna Verma Kachchh University ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાઈ છે. આ વખતે મુદ્દો છે ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓનો, જેને લઈને જાગૃત નાગરિકો અને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા અગાઉ રદ કરવામાં આવેલી ભરતી પ્રક્રિયાને યુનિવર્સિટી તંત્ર દ્વારા ફરી શરૂ કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી એવી રજૂઆતો થતા મામલો હવે Gujarat High Court સુધી પહોંચી ગયો છે, જ્યાં ચાર જેટલા કેસો હાલ પેન્ડિંગ છે.
આક્ષેપો મુજબ, યુનિવર્સિટીએ ભરતી માટે જાહેર કરેલી જાહેરાતોમાં Gujarat Common Universities Actની જોગવાઈઓનો સીધો ભંગ કર્યો છે. ખાસ કરીને પી.એ. જેવી જગ્યાઓ માટે નક્કી કરાયેલા મેટ્રિક્સ લેવલમાં ગેરસામ્યતા જોવા મળી છે. સરકારી ધોરણો અનુસાર આ જગ્યાઓ ગ્રુપ-બી હેઠળ આવે છે, જ્યાં મેટ્રિક્સ લેવલ ૮ થી ૧૦ હોવું જોઈએ, પરંતુ યુનિવર્સિટી દ્વારા તેને લેવલ-૬ તરીકે દર્શાવાયું છે, જે ગંભીર તફાવત ગણાય છે.
ભરતી પ્રક્રિયામાં માત્ર ટેકનિકલ ખામીઓ જ નહીં, પરંતુ અનામત નીતિના અમલમાં પણ ઉલ્લંઘનના આરોપો ઉઠ્યા છે. રોસ્ટર પોઈન્ટ સિસ્ટમનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ દિવ્યાંગ અને મહિલા અનામતની જોગવાઈઓ અવગણવામાં આવી હોવાની ફરિયાદો છે. વધુમાં, યુનિવર્સિટીના આંતરિક કર્મચારીઓને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જે અન્ય ઉમેદવારો માટે અન્યાયરૂપ ગણાઈ રહ્યું છે.
આ મુદ્દે વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે, માર્ચ ૨૦૨૪માં જાહેર કરાયેલી ભરતી જાહેરાતમાં બે વર્ષ બાદ મનસ્વી ફેરફારો કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં નવી જાહેરાત બહાર પાડવાની હોય છે, પરંતુ અહીં જૂની જાહેરાત અને રદ કરાયેલી પ્રક્રિયાને આધારે ભરતી આગળ ધપાવવામાં આવી રહી છે.
સૂત્રો અનુસાર, કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા ઉતાવળે પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને લઈને શંકા અને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. નાણાકીય ગેરરીતિઓની સંભાવનાઓ પણ નકારી શકાય તેવી નથી એવી ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી અગાઉ પણ પેપર લીક, માર્કશીટ ગડબડ અને વહીવટી ગેરવ્યવહાર જેવા મુદ્દાઓને કારણે ચર્ચામાં રહી ચૂકી છે. હાલની પરિસ્થિતિએ બેરોજગાર યુવાનોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને પારદર્શક રીતે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.
આ ઉપરાંત, યુનિવર્સિટીના રજીસ્ટ્રારની નિમણૂક પણ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. નિયમ મુજબ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિને આ પદ પર બેસાડવાનું હોય છે, છતાં આ નિયમોનું પાલન થયું નથી તેવી ચર્ચાઓ ફરીથી તેજ બની છે.
આ સમગ્ર મામલે જો સમયસર અને પારદર્શક તપાસ નહીં થાય તો આવનારા સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar