
કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) :પશ્ચિમ કચ્છ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરાતા આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વિભાગની સતત ચેકિંગ અને કડક અમલવારીને કારણે વર્ષ 2025-26 દરમિયાન કુલ 407.05 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જે વિસ્તારના ખનિજ વ્યવસ્થાપનમાં સુધારો દર્શાવે છે.
વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષ 2024-25ની સરખામણીએ ચાલુ વર્ષમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવાયા છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 258 કેસ નોંધાયા હતા, જ્યારે 2025-26માં આ આંકડો વધીને 378 સુધી પહોંચ્યો છે. કેસોની સંખ્યામાં આ વધારાના કારણે વસૂલાતમાં પણ સ્પષ્ટ વધારો થયો છે.
ભૂસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારૈયા મુજબ, ગત વર્ષે ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ બદલ 588.65 લાખ રૂપિયાની વસૂલાત થઈ હતી, જ્યારે ચાલુ વર્ષે આ આંકડો વધીને 750.05 લાખ સુધી પહોંચ્યો છે. એટલે કે, વર્ષ દરમિયાન આશરે 161.50 લાખ રૂપિયાનો વધારાનો આવક નોંધાયો છે, જે વિભાગની સક્રિય કામગીરીનું પ્રતિબિંબ છે.
વર્ષ 2025-26 દરમિયાન થયેલી વસૂલાતનું વિભાજન કરીએ તો ખનન સંબંધિત 65 કેસોમાંથી 318.34 લાખ રૂપિયા, વાહન વ્યવહારના 298 કેસોમાંથી 339.04 લાખ રૂપિયા અને સંગ્રહના 15 કેસોમાંથી 92.67 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે ગેરકાયદેસર વહન સામે સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી છે.
વિભાગ દ્વારા સતત ચેકિંગ, પેટ્રોલિંગ અને સખત દેખરેખ રાખવામાં આવતાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં ઘટાડો લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું માનવું છે કે, આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે તો ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.
પશ્ચિમ કચ્છમાં ખનિજ સંપત્તિનું સંરક્ષણ અને કાયદેસર ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે વિભાગની આ કાર્યવાહી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, જે સરકારની આવક વધારવા સાથે પર્યાવરણની સુરક્ષા માટે પણ ફાયદાકારક બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar