
કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) :કચ્છના અંજાર શહેરમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ લક્ષ્મી ટોકીઝ પાછળના કોલીવાસ વિસ્તારમાં ખુલ્લેઆમ રમાતો જુગારનો ડેશ પકડી પાડતાં ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલતી કામગીરી દરમિયાન, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના સુચન અનુસાર અંજાર પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી બદી સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે ટીમે લક્ષ્મી ટોકીઝ પાછળ કોલીવાસ શેરીમાં રેઇડ કરી હતી. ત્યાં કેટલીક વ્યક્તિઓ ગંજીપાના પત્તા દ્વારા રૂપિયા હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૦,૨૦૦ રોકડ રકમ તેમજ ૫૨ ગંજીપાના પત્તા કબ્જે કર્યા હતા. આ સાથે નીચેના ત્રણ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લેવામાં આવ્યા છે:
શનિ રમેશભાઈ ડોડીયા (ઉ.વ. ૨૭), રહે. અંજાર
નુરશા અલીશા શેખ (ઉ.વ. ૪૨), રહે. ભચાઉ
અજીજ ઉર્ફે હુશેનઅલી હારૂનભાઈ સઠીયા (ઉ.વ. ૩૬), રહે. અંજાર તાલુકો
આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ જુગારધારા કલમ-૧૨ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar