
અમરેલી,07 એપ્રિલ (હિ.સ.)
અમરેલી જિલ્લાના લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે મહત્વપૂર્ણ એવી ટેકાના ભાવે ચણાની ખરીદીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યાર્ડના ચેરમેન વજુભાઈ શંકર તેમજ એલ.બી. ધોળકિયા, કિસાન તાલુકા પ્રમુખ તરીકે હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવ આપ્યું હતું.
ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળે અને તેઓને બજારમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે. લાઠી માર્કેટિંગ યાર્ડમાં શરૂ થયેલી આ પ્રક્રિયા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતને આર્થિક રીતે મજબૂત બનાવવાનું મુખ્ય લક્ષ્ય છે અને તે માટે સરકાર તથા માર્કેટિંગ યાર્ડ સતત પ્રયાસશીલ છે. ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતને તેમના ઉત્પાદનનો ન્યાયસંગત ભાવ મળશે અને બજારના ઉતાર-ચઢાવથી બચાવ થશે.
ખેડૂતોએ પણ આ પહેલને સ્વાગત કરી ખુશી વ્યક્ત કરી હતી અને વધુ સગવડો ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી. આ પ્રારંભથી વિસ્તારના ખેડૂતોમાં આશા અને વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai