
પાટણ, 07 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નં. 10ના મીરા દરવાજા ભીલવાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે, જેના કારણે ગૃહિણીઓ ભારે પરેશાન થઈ રહી છે. તેઓએ જણાવ્યું કે નિયમિત અને પૂરતું પાણી મળતું નથી, જેના કારણે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે.
પાણીની સમસ્યાની સાથે વિસ્તારમાં સ્વચ્છતાનો પણ અભાવ છે. અનેક જગ્યાએ ગંદકીના ઢગલા જોવા મળે છે, જે સ્થાનિકોના આરોગ્ય માટે જોખમરૂપ છે. મહિલાઓએ તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.
મહિલાઓએ આક્ષેપ કર્યો કે ચૂંટણી સમયે નેતાઓ વાયદા કરે છે, પરંતુ જીત્યા બાદ વિસ્તારની મુલાકાત લેતા નથી. તેમણે ચીમકી આપી છે કે જો સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે અથવા યોગ્ય ઉમેદવારો નહીં મળે, તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ