
Gujarat, 07 એપ્રિલ (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ જૂનાગઢ જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ ૯ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા બાંટવા નગરપાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે.
આ ચૂંટણી દરમિયાન મતદાર મંડળના મતદાર વિસ્તારમાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપ ઊભા થાય નહીં અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવાના ભાગરૂપે આવશ્યક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સહિત ૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબ તેમને મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ ૯ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા બાંટવા નગરપાલિકાની એક બેઠક પરના મતદાર વિસ્તારમાં તારીખ તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી કોઈ પણ ઈસમે પોતાના પરવાનાવાળા હથિયાર સાથે લઈને બહાર નીકળવું કે ફરવું નહીં. ઉપરાંત કોઈપણ ઈસમે શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈપણ ચીજો સાથે લઈ ઘર બહાર નીકળવું કે ફરવું નહીં.
આ જાહેરનામું જે ફરજ ઉપર રોકાયેલ પોલીસ કર્મચારી/ અધિકારીઓ કે જેઓના ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યક્તિને, શારીરિક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી લઈ ફરવું જરૂરી હોય તે વ્યક્તિને. રાષ્ટ્રીયકૃત બેંકો કે તેઓને તે બેંકની કેશ કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેંકના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ હોય તે વ્યક્તિને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ