
જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) જામનગર શહેરમાં બેડી બંદર રીંગ રોડ પર વધુ એક અકસ્માત બનાવ સામે આવ્યો છે. મહાકાલી સર્કલથી સમર્પણ સર્કલ તરફ જઇ રહેલાં બાઇકચાલક આધેડને અર્ટીગા કારના ચાલકે ઠોકરે ચડાવતાં બાઇકચાલક આધેડનું મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરમાં બેડી બંદર રીંગ રોડ પુષ્પક પાર્કમાં રહેતાં ચેતન લખમણભાઇ કંડોરિયા નામના યુવાને અર્ટીગા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર ચેતન કંડોરિયાના પિતા લખમણભાઇ ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતાનું મોટરસાઇકલ લઇને મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ તરફ આવેલ પોતાના ઘર તરફ જઇ રહ્યાં હતાં. દરમિયાન તેઓ જ્યારે અવસર પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલી અર્ટીગા કારના ચાલકે પોતાની કાર વાયુવેગે ચલાવી લખમણભાઇના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
કારની ઠોકર લાગતા લખમણભાઇ બાઇક પરથી જમીન પર પટકાયા હતાં તેઓના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક શહેરની જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને તપાસી મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું.
ચેતનભાઇની ફરિયાદના આધારે સિટી સી ડિવિઝન પોલીસે અર્ટીગા કારના ચાલક સામે બીએનએસની કલમ 281, 125 (એ), 125(બી), 106(1) તથા એમ.વી.એક્ટની કલમ 177, 184, 134 મુજબ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt