




- 30 દિવસમાં 10 % વ્યાજ સાથે રકમ જમા કરાવવા આદેશ કસૂરવારોમાં ફફડાટ વ્યાપી ગયો
આદિવાસી સમાજના ડિરેક્ટરોએ પશુપાલકોના લોહી અને પરસેવાના રૂપિયાની કરી ઉચાપત
સમાજે વિશ્વાસ મૂક્યો કે સારો વહીવટ કરશે પરંતુ આમણે તો સંપૂર્ણ વહીવટ જ કરી નાખ્યો
હજુ મંડળીનું 2024-25 અને 2025-26 નું ઓડિટ તો બાકી છે તેમાં પણ કરોડોનો ગફલો હશે
ભરૂચ 08 એપ્રિલ (હિ.સ.) : શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડના સને 2022-23 અને 2023-24 ના વર્ષના અન્વેષણ દરમ્યાન ઓડીટરના ખાસ અહેવાલના આધારે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961 ની કલમ-93 અંતર્ગત ગેરવહીવટ અને નાણાંની ગેરરીતિના ખુલાસા કરવા નોટિસ આપ્યા બાદ જવાબ અને ખુલાસા નહી આપતા તેની તપાસ અધિકૃત તપાસણી અધિકારી પી.એચ. વાઘેલા ભરૂચ કરતા હતા તેમણે સંપૂર્ણ તપાસના અંતે પૂર્વ વ્યવસ્થાપક કમિટીને 1.69 કરોડ ભરવાનો હુકમ કરતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ચાસવડ દૂધ ડેરીની પૂર્વ વ્યવસ્થાપક કમિટીએ કરેલ 3.19 કરોડની ગેરવહીવટ અને નાણાકીય ગેરરીતિઓ અને જવાબદારીઓ અંગે સત્તામંડળ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મંડળીની તપાસના અંતે કુલ 1.69 કરોડની જંગી રકમની વસૂલાત માટે જે-તે સમયના કમિટી સભ્યો અને હોદ્દેદારોને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.તે તપાસના અંતે 93 ની કલમ હેઠળ પૂર્વ પ્રમુખ કવિ વસાવાને 18 લાખ અને ઉપ પ્રમુખ અરવિંદ વસાવાને 18 લાખ તેમજ અન્ય પૂર્વ 15 ડિરેક્ટરોને સરેરાસ 8 થી 10 લાખ રૂપિયા 10 % વ્યાજ સાથે ભરવાનો હુકમ તપાસ અધિકારીએ કર્યો છે.
હોદ્દાની રૂએ વ્યક્તિગત જવાબદારી નક્કી
તપાસ અધિકારીના અહેવાલ મુજબ, મંડળીમાં થયેલી આ નાણાકીય ક્ષતિ બદલ માત્ર સંસ્થાને નહીં, પરંતુ જે-તે સમયે સત્તા પર રહેલા હોદ્દેદારોને તેમના હોદ્દા અને સત્તાને ધ્યાનમાં રાખીને નામજોગ જવાબદાર ગણવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, દરેક કમિટી સભ્યએ તેમના હિસ્સે આવતી જવાબદારીની રકમ અંગત રીતે ભરપાઈ કરવાની રહેશે.
10 % વ્યાજ સાથે વસૂલાતનો આદેશ
નોંધનીય છે કે, આ લેણી નીકળતી રકમ પર માત્ર મૂળ મુદ્દલ જ નહીં, પરંતુ તારીખ: 01/04/2024 થી વસૂલાત ન થાય ત્યાં સુધી 10 % લેખે વ્યાજ પણ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કડક જોગવાઈને કારણે જવાબદાર સભ્યો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે.
30 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ
તપાસ અધિકારી દ્વારા તમામ જવાબદાર પૂર્વ ડિરેક્ટરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આદેશ મળ્યાના 30 દિવસની અંદર પોતાના હિસ્સાની રકમ મંડળીમાં જમા કરાવી તેની પાકી રસીદ મેળવી લેવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં રકમ જમા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કાયદેસરની કડક કાર્યવાહી અને અસ્કયામતો ટાંચમાં લેવા જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
સભાસદોને આપવાની ગીફ્ટ બિન સભાસદોને આપી સહકારી કાયદો તોડ્યો
સહકારી પરિપત્ર મુજબ ખરેખર 750 રૂપિયાની મર્યાદામાં ગિફ્ટ માત્ર શેર સભાસદ માટે જ આપવાની હોય છે પરંતુ સહકારી કાયદાની ઐસી કી તૈસી કરીને રાજ્ય રજીસ્ટ્રારના પરીપત્રની ઉપરવટ જઈને સભાસદ સહિત બિન સભાસદોને પણ ગિફ્ટ આપી અને તેમ છતાં તેનાથી પણ વધુ ખોટી રીતે ગીફ્ટ નહીં લાવી માત્ર ખોટા બીલો મૂકી 1.69 કરોડ પોતાના અંગત ઉપયોગમાં લઈ આદિવાસી સમાજને પણ પાયમાલ કરવાનું કૃત્ય કર્યું છે. આ પૂર્વ પ્રમુખ , ઉપ પ્રમુખ સહિત 15 ડિરેક્ટરોએ કરોડોનો ગફલો કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ