
નવસારી, 08 એપ્રિલ (હિ.સ.): નવસારીના કબીલપોર GIDC વિસ્તારમાં આવેલી અક્ષર એન્ટરપ્રાઈઝ નામની એક ઉદ્યોગ એકમમાં બુધવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. સવારે અંદાજે 4 વાગ્યે શરૂ થયેલી આ આગને કારણે આસપાસના વિસ્તારમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ કંપનીમાં સોલર ઇન્વર્ટર માટે ઉપયોગમાં આવતા લાકડાના પેકિંગ બોક્સ બનાવવામાં આવે છે. મોટી માત્રામાં લાકડાનો જથ્થો હાજર હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં વિકરાળ બની ગઈ. ઘટનાસ્થળેથી ઘેરો ધુમાડો ઉઠતો નજરે પડ્યો હતો.
આગની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. લગભગ 20 ફાયર કર્મચારીઓની ટીમે ત્રણ ફાયર ટેન્ડર સાથે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સતત અઢી કલાકના પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક તપાસ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, પરંતુ કંપનીમાં રહેલું કાચું માલ અને તૈયાર માલ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે