
જુનાગઢ, 8 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચૂંટણી પ્રચાર પુરો થયા બાદ અનુસરવાની થતી આવશ્યક જોગવાઈઓ બહાર પાડી છે.
આ ચૂંટણીઓ દરમિયાન મતદાનની પ્રક્રિયા કોઈ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં યોજાય તેમજ બહારના તોફાની તત્વો આ મતદાનની કાર્યવાહી દરમિયાન મતદારોને ખલેલ પહોંચાડે નહીં તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ મતદાન દરમિયાન આચરે નહીં તે માટે તેમજ મતદાન દરમિયાન આક્ષેપ-પ્રતિ આક્ષેપ દ્વારા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સંજોગો ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જરૂરી પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે.
જાહેરનામા મુજબ, જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી યોજાનાર છે, તે ચૂંટણી હેઠળના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદથી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી કોઈ પણ વ્યકિત મતદાન વિસ્તારમાં આ ચૂંટણી મતદાન પૂર્ણ કરવા માટે નિયત કરેલ કલાક સહિત પૂરા થતા અડતાલીસ કલાકના સમયગાળા દરમિયાન તે મતદાન વિસ્તારમાં કોઈ જાહેર સભા બોલાવી શકાશે નહિ, ભરી શકશે નહિ અથવા તેમાં હાજર રહી શકશે નહિ. ઉપરાંત મતદારના વ્યકિતગત સંપર્ક દરમિયાન કોઈને ઉતારી પાડતા, ચારિત્ર્ય ખંડન કરતા કોઈ વાણી પ્રયોગ કરી શકાશે નહીં.
ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી જે તે મતદારક્ષેત્રના મતદાર, ઉમેદવાર, ચૂંટણી એજન્ટ સિવાયના કાર્યકર્તાઓએ તે મતદારક્ષેત્રમાં રહેવું નહિ તેમજ મતદાર વિભાગની હદમાં, મતદાર વિભાગની બહારથી આવતા વાહનોની સંબંધિત પોલીસ મથકે નોંધ કરાવવાની રહેશે. ઉપરાંત કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા ચૂંટણીના મતદાર ક્ષેત્રમાં સરકારી વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં કે આ સમયગાળા દરમિયાન કોઈ મહાનુભાવ તેમાં રહી શકશે નહિ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ