
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડીના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.), પૂર્વ કચ્છ ગાંધીધામને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલ Mission Fugitive અભિયાન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત એલ.સી.બી.ની ટીમ સતત સતર્ક રહીને ગુનેગારોને પકડવા માટે સક્રિય કામગીરી કરી રહી હતી. તે દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વ હેઠળની ટીમને ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર 1089/25 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો મુજબ વોન્ટેડ રહેલો આરોપી ઝડપી પાડવામાં આવ્યો.
પકડાયેલ આરોપી અસ્લમ હાજી શેખ (ઉંમર 23), રહે. હેમલાઈ ફળીયું, શેખ સમાજવાડી પાસે, અંજારનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આરોપી સામે છેતરપીંડી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar