
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કચ્છના રાજકીય પરિસરમાં એક નનામા પત્રે અચાનક જ હલચલ મચાવી દીધી છે. કચ્છ ભાજપ પ્રમુખને સંબોધીને લખાયેલા આ પત્રમાં પક્ષની આંતરિક પરિસ્થિતિ, કાર્યકરોની વ્યથા અને ટિકિટ વહેચણીને લઈને ઉઠેલા પ્રશ્નોએ સંગઠનના તંત્રમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. ખાસ કરીને માંડવી વિસ્તારના કેટલાક કથિત પ્રસંગોને લઈને લખાયેલ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપના કાર્યકરો અને આગેવાનો વચ્ચે ચર્ચા-વિચારણા તેજ બની ગઈ છે.
પત્રમાં મુખ્યત્વે એવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે, ટિકિટ મળ્યા બાદ ચૂંટાઈ આવેલા કેટલાક પ્રતિનિધિઓએ પક્ષની વિચારધારાને બદલે વિરોધી પક્ષના અભિગમને આગળ વધારતા નગરપાલિકા તેમજ રાજ્ય સરકાર વિરુદ્ધ રજૂઆતો કરી હતી. આવા સંજોગોમાં સચ્ચા કાર્યકરો માટે કામ કરવાની પ્રેરણા કેવી રીતે જળવાઈ શકે તેવો ઉગ્ર સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દાએ પક્ષની અંદર જ એક પ્રકારની અસંતોષની લાગણીને ઉજાગર કરી છે.
ભાજપમાં અગાઉ પણ આ પ્રકારના નનામા પત્રો કે આંતરિક અસંતોષના અવાજો સામે આવ્યા હોવાની ચર્ચા છે, પરંતુ મોટાભાગે આવા મુદ્દાઓ સમય જતાં શમાઈ જતા હોય છે. છતાં આ વખતે ચૂંટણીઓના સંવેદનશીલ સમયગાળામાં આવી ઘટના સામે આવતા રાજકીય વર્તુળોમાં તેનું મહત્વ વધુ વધ્યું છે. કાર્યકરોમાં ચાલી રહેલા ગણગણાટ મુજબ પત્રમાં ઉલ્લેખિત કેટલીક બાબતોને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી, જે પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
માંડવી વિસ્તાર સાથે સંકળાયેલા આક્ષેપોએ સમગ્ર કચ્છ ભાજપમાં એક પ્રકારની ગૂંજ ઉભી કરી છે. હાલ પક્ષના વરિષ્ઠ નેતાઓ આ મામલે શું વલણ અપનાવે છે અને પત્રમાં કરાયેલા આક્ષેપોને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે તે મહત્વપૂર્ણ બની રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ખુલાસાઓ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ચૂંટણી પહેલાં પક્ષની અંદર ઊભા થતા આવા પ્રશ્નો સંગઠન માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેનો સીધો અસર ચૂંટણીના પરિણામો પર પણ પડી શકે છે. હાલમાં તો આ નનામો પત્ર કચ્છના રાજકારણમાં ચર્ચાનો કેન્દ્રબિંદુ બની ગયો છે અને સૌની નજર હવે ભાજપના આગલા પગલાં પર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar