
ભાવનગર, 08 એપ્રિલ (હિ.સ.)બોટાદ જિલ્લામાં માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક નોંધપાત્ર ઘટના સામે આવી છે. માનસિક રીતે અસ્વસ્થ એક યુવતી વહેલી સવારે કોઈને જાણ કર્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી, જેના કારણે પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. યુવતીના અચાનક ગાયબ થવાને કારણે પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ મામલે બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અને બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા યુવતીની માહિતી મેળવી આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ટીમે વિવિધ સ્થળોએ તપાસ કરીને, સ્થાનિક લોકોની મદદથી અને સીસીટીવી ફૂટેજના આધારે યુવતીની હિલચાલ વિશે માહિતી મેળવી હતી.
પોલીસની સતત મહેનત અને સતર્કતા કારણે થોડા જ સમયમાં યુવતીને સલામત રીતે શોધી કાઢવામાં સફળતા મળી હતી. યુવતી મળી આવતા પોલીસ દ્વારા તેને તાત્કાલિક સંભાળ આપવામાં આવી અને તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય કાળજી રાખવામાં આવી હતી.
પછી યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી અને તેમને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. યુવતીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવતા એક ભાવનાત્મક દૃશ્ય સર્જાયું હતું. પરિવારજનો પોલીસનો આભાર વ્યક્ત કરતા દેખાયા હતા.
આ કામગીરીમાં બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અને મહિલા પોલીસ સ્ટેશનની ટીમે માનવતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની ઝડપી અને સંવેદનશીલ કામગીરીથી એક પરિવારને ફરીથી ખુશી મળી છે, જે સમાજ માટે પ્રેરણાદાયી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT