
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવાના પ્રયાસો વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ , ગાંધીધામ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
માહિતી મુજબ, એલ.સી.બી.ની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે એક સફેદ રંગની એમ.જી. હેક્ટર કાર માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે અને તે વાહન ભચાઉ તરફથી ગાંધીધામ તરફ આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક આયોજન કરી મચ્છુનગર બ્રિજ નજીક વોચ ગોઠવી.
થોડી જ વારમાં બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકી ચકાસણી હાથ ધરી. કારમાં સવાર અરવિંદભાઈ તેજાભાઈ ચૌધરી અને ભગવાનરામ સોનાજી બિશ્નોઈને નીચે ઉતારી તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પૂછપરછ દરમિયાન બંનેએ દારૂ આદિપુરના દિપેશ સામતભાઈ રબારીને વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાની કબૂલાત આપી.
આ માહિતીના આધારે એલ.સી.બી.ની બીજી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આદિપુરથી દિપેશભાઈ રબારીને પણ ઝડપી પાડ્યો. આ સાથે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં બનાસકાંઠાના લુદરા ગામના અરવિંદ ચૌધરી , રાજસ્થાનના જાલોર જિલ્લાના અરનાઈ ગામના ભગવાનરામ બિશ્નોઈ અને આદિપુરના દિપેશ રબારી નો સમાવેશ થાય છે. આ કેસમાં વધુ એક આરોપી ભરતભાઈ ઉર્ફે ભાણો ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસ દ્વારા તલાશ હાથ ધરાઈ છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 16.19 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 750 એમ.એલ.ની 269 બોટલો, 180 એમ.એલ.ના 474 ક્વાર્ટર, મોબાઈલ ફોન તેમજ અંદાજે 10 લાખ રૂપિયાની એમ.જી. હેક્ટર કારનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar