



કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પોલીસની લોકકેન્દ્રિત કામગીરીનો વધુ એક સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે. “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી માલિકોને પરત સોંપતાં નાગરિકોમાં આનંદ અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે.
સરહદી રેન્જના આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને ગતિ આપવામાં આવી હતી. સાથે જ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચનાઓ મુજબ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે આ કામગીરીને પ્રાથમિકતા આપી હતી.
મોબાઈલ ફોન આજના સમયમાં માત્ર એક ઉપકરણ નથી, પરંતુ વ્યક્તિગત માહિતી, સંપર્ક અને મહત્વપૂર્ણ ડેટાનો ભંડાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં ટીમે ગુમ થયેલા મોબાઈલ ફોનની શોધખોળ હાથ ધરી હતી. નોંધાયેલા કેસોના આધારે IMEI નંબર ટ્રેકિંગ તથા CEIR પોર્ટલ મારફતે ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી.
સતત ફોલોઅપ અને ટેકનિકલ મહેનતના પરિણામે પોલીસે અલગ-અલગ સ્થળોથી કુલ 14 મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. 1.40 લાખ જેટલી થાય છે, સફળતાપૂર્વક રિકવર કર્યા હતા. બાદમાં પોલીસ સ્ટેશન ખાતે અરજદારોને બોલાવી તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા.
પોતાનો કિંમતી મોબાઈલ તથા તેમાં રહેલું મહત્વપૂર્ણ ડેટા સુરક્ષિત રીતે પરત મળતા અરજદારોમાં ખુશી છવાઈ ગઈ હતી. તેમણે પોલીસની કાર્યશૈલીની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા અને પોલીસ કોન્સ્ટેબલ હરદાનભાઈ માળી સહિતની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ગાંધીધામ પોલીસની આ પહેલથી નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે અને “તેરા તુજકો અર્પણ” જેવા અભિયાન દ્વારા જનસેવામાં પોલીસની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar