
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરના કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં તાજેતરમાં બનેલી દિવસદાઢે ઘરફોડ ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લઈ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે ઝડપી કામગીરી હાથ ધરી અને આખરે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
મળતી માહિતી અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વણશોધાયેલ મિલ્કત સંબંધિત ગુનાઓ ઉકેલવા ખાસ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાઓને અનુસરીને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની ટીમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી.
કાર્ગો પી.એસ.એલ વિસ્તારમાં અલગ-અલગ મકાનોમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મહત્વપૂર્ણ માહિતી મળતાં પોલીસે સંડોવાયેલા આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી. પોલીસે અરજણ દેવાભાઈ ભરવાડ (ઉંમર ૨૨, રહે- લખાગઢ, તા. રાપર)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલા સોનાના દાગીના તથા રોકડ મળી આવ્યા હતા. કબ્જે કરાયેલા માલમાં સોનાના લોકેટ, કાનના દાગીના, વિંટી સહિત આશરે હજારોથી વધુ કિંમતના આભૂષણો અને રૂપિયા ૨૩,૯૫૦ રોકડ તેમજ એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી અગાઉ પણ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. આથી, પોલીસ આરોપીના ગુનાહિત નેટવર્ક અને અન્ય સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે. પોલીસે લોકોને સતર્ક રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar