રાપરમાં પોલીસની કડક ઝુંબેશ: ટ્રાફિક ભંગ અને દબાણો સામે કાર્યવાહી, દંડ અને ડિટેન્શનથી ફફડાટ
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) :સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા
Rapar


કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) :સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક અને દબાણો દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રાપર શહેરના દેના બેન્ક ચોક, સલારીનાકા, ભુતિયા કોઠા રોડ, માંડવી ચોક, ખોડીયાર મંદિર રોડ, માલી ચોક, મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી. આ દરમ્યાન રોડ પર આડેધડ પાર્ક કરાયેલા વાહનો તેમજ ફુટપાથ પર સામાન મૂકી ટ્રાફિકમાં અવરોધ ઉભો કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે સાથે ઝડપે વાહન ચલાવતા બેફામ વાહનચાલકોને પણ કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પીએસઆઇ વી.એ. ઝા, પી.એલ. ફણેજા, એચ.વી. કાતરીયા સહિત ટ્રાફિક શાખાના અધિકારીઓ અને સ્ટાફ સક્રિય રીતે જોડાયા હતા. પોલીસ ટીમે સંકલિત પ્રયાસો દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે તાકીદની કામગીરી હાથ ધરી.

ઝુંબેશ દરમ્યાન કુલ 49 એનસી કેસ નોંધાયા હતા, જ્યારે 13 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. ઉપરાંત, સ્થળ પર જ રૂ. 10,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કડક કાર્યવાહીઓને કારણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ચકચાર મચી ગઈ હતી અને શહેરમાં ફફડાટ ફેલાયો હતો.

રાપર પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના પ્રયત્નોને બળ મળ્યું છે અને આવનારા દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande