
સુરત, 08 એપ્રિલ (હિ.સ.): સુરતના કોટ વિસ્તારના વરિયાવી બજારમાં વહેલી સવારે એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતા હાહાકાર મચી ગયો હતો. કૃષ્ણ મંદિર નજીક આવેલ આ મકાનનો સ્લેબ અને દીવાલ ભાંગી પડતાં આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. ભારે અવાજ અને ધૂળના ગૂબારા વચ્ચે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
આ દુર્ઘટનામાં 80 વર્ષીય હરિબેન કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના ભારને કારણે તેઓ બહાર આવી શકતા નહોતા અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ઘટના અંગે જાણ થતાં જ મુગલીસરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
જોખમ વચ્ચે ફાયર ઓફિસર બળવંતસિંહે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે કાટમાળમાંથી હરિબેનને બહાર કાઢ્યા અને તેમના પગમાં ઇજા હોવાને કારણે તેમને પોતાના ખભે ઉચકી પહેલા માળેથી સલામત રીતે નીચે લાવ્યા હતા. આ દ્રશ્યે હાજર લોકોમાં રાહત અને આદરની લાગણી જગાવી હતી.
રેસ્ક્યુ બાદ હરિબેનને તરત જ એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સમયસરની કામગીરીને કારણે મોટો અનિષ્ટ ટળી ગયો, પરંતુ વિસ્તારના જૂના મકાનો અંગે લોકોમાં ચિંતા ફરી ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે