
પાટણ, 08 એપ્રિલ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 10 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર છે. આ સમારોહમાં કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે, જેમાં 24,299 પુરુષ અને 30,047 મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આંકડાઓ મુજબ, આ વર્ષે મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધુ છે.
આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવશે. રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાના કારણે હવે વિદ્યાર્થીઓને તેમની સહીવાળા પ્રમાણપત્રો મળશે. યુનિવર્સિટીના કે.સી. પોરિયાએ જણાવ્યું કે અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો આપવામાં આવતા હતા.
સમારોહમાં 9 ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવે છે. સૌથી વધુ 26,669 વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીમાં છે, જ્યારે એજ્યુકેશનમાં 9,921 અને સાયન્સમાં 6,497 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કોમર્સમાં 5,743 અને અન્ય ફેકલ્ટીમાં પણ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ છે.
લો, મેડિકલ, રૂરલ સ્ટડીઝ અને કોમ્પ્યુટર-મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં સૌથી ઓછા 46 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઉપરાંત, 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ના સંશોધક વિદ્યાર્થીઓને પણ ડોક્ટરેટ એનાયત કરવામાં આવશે. સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આ પ્રસંગે રજિસ્ટ્રાર રોહિત દેસાઈ તથા પરીક્ષા નિયામક મિતુલ દેલીયા ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ