
જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) જામનગરના પટેલ કોલોની શેરી નં.7 માં રહેતા ધ્રુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આરોપી સંજય રણમલભાઇ નકુમ, અને રણમલ કુરજીભાઇ નકુમ સામે ફરિયાદ નોંધાવી જેમાં જણાવાયા અનુસાર ફરિયાદી અને તેંઆ સબંધીની કુલ 14 ગાડીઓ ભાડે રાખી લીધા બાદ ગાડી અને રુપીયા 5,10,000 લઇ ફોન બંધ કરી વિશ્વાસધાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, ગુણાતીતાનંદ નગરમાં રહેતા અને વાહનો ભાડે ફેરવવાનો વ્યવસાય કરતા સંજય નકુમ અને તેમના પિતા રણમલ કુરજીભાઈ નકુમે ટ્રાવેલ્સ એજન્સીમાં ગાડીઓની જરૂર છે કહીને સારા ભાડાની લાલચ આપી ફરિયાદી અને તેમના પરિચિતોને વિશ્વાસમાં લીધા હતા. જેથી 14 જેટલી ગાડીઓ આ પિતા-પુત્રને ભાડે આપી હતી. વધુમાં રૂા. 5.10 લાખ રોકડા પણ આપ્યા હતા. જોકે ભાડા આપવા સમયે આરોપીઓએ ઊંચા હાથ ધરી ફોન બંધ કરી દીધા હતા.
તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીએ આ તમામ 14 ગાડીઓ જામનગરના અલગ-અલગ વ્યક્તિઓ પાસે બારોબાર ગીરવે મૂકી દીધી હતી. આ વાહનો ગીરવે મૂકીને તેના પર 10% થી 30% સુધીના ઉંચા વ્યાજે મોટી રકમ મેળવી લીધી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
આ ઘટનાની ગંભીરતાને જોતા સીટી સી-ડિવિઝનના પીઆઈ પી.કે. ડાભી તેમજ તેમની ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી આરોપી સંજય નકુમ અને રણમલભાઈ નકુમને શોધી કાઢી ધરપકડ કરી અમુક ગાડીઓને પણ કબ્જે કરી છે.
મહત્વનું છે કે, ગઈકાલે આ કેસના આરોપીએ એવા સંજય રણમલભાઇ નકુમેં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ 24 થી વધુ ગાડી ગિરવે મુકી તોતિંગ વ્યાજે નાણાં મેળવ્યા હોવાનો ઉલ્લેખ કરાતા પોલીસે આ દિશામાં તપાસ આરંભી અન્ય ગાડી માલિકો મામલે તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt