
વલસાડ, 08 એપ્રિલ (હિ.સ.) : માંડવા કુંભઘાટ પાસે આવેલા યાદવ ઢાબા નજીક એક કન્ટેનરનો બ્રેક અચાનક ફેલ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઉત્તર પ્રદેશના 42 વર્ષીય બ્રિજેશકુમાર શ્યામસિંહ કપરાડાથી નાનાપોંઢા તરફ કન્ટેનર (GJ-18-BT-4177) લઈને જઈ રહ્યા હતા ત્યારે વાહન પરનો કાબૂ ગુમાવતા ઘટના બની હતી.
બેકાબૂ બનેલા કન્ટેનરે પહેલા પીકઅપ (MH-14-MT-9551)ને ટક્કર મારી તેને પલટી ખવડાવી હતી. ત્યારબાદ બીજી પીકઅપ (MH-14-MH-7846) અને આઈસર ટેમ્પો (GJ-23-AW-8562)ને પણ અડફેટે લીધા, જેના કારણે રસ્તા પર માલ વિખેરાઈ ગયો હતો. અંતે કન્ટેનર સામેથી આવી રહેલા બીજા કન્ટેનર (GJ-27-TD-7435) સાથે જોરદાર અથડાયું, જેમાં સામેથી આવતા કન્ટેનરના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બ્રિજેશકુમાર કેબીનમાં ફસાઈ જતા ક્રેનની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે સ્થળ પર પહોંચી નિયંત્રણમાં લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે