સાવરકુંડલા મીતીયાળા પંથકમાં 30 કલાકમાં 14 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ
અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા 30 કલાક દરમિયાન સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ગઈકાલથી લઈને આજ સવાર સુધી કુલ 14 આંચકાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કર
સાવરકુંડલા મીતીયાળા પંથકમાં 30 કલાકમાં 14 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ


અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા 30 કલાક દરમિયાન સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ગઈકાલથી લઈને આજ સવાર સુધી કુલ 14 આંચકાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે આવતાં આંચકાઓને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

માહિતી મુજબ રાત્રે 1:14 વાગ્યે 3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જ્યારે 1:37 વાગ્યે 1.1 ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ આજે સવારે 8:58 વાગ્યે 1.5 ની તીવ્રતાનો વધુ એક આંચકો નોંધાયો હતો. ગઈકાલે રાત્રે 4:15 વાગ્યાથી શરૂ થયેલી આ સીરિઝ હજુ સુધી અવિરત ચાલુ રહેતા લોકોમાં અનિશ્ચિતતા વધી રહી છે.

મીતીયાળા ઉપરાંત ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળા સહિતના આસપાસના ગામોમાં પણ આ આંચકાઓનો અનુભવ થયો છે. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની માહિતી સામે આવી નથી.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે આ આંચકાઓની પુષ્ટિ કરી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને સતર્ક રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande