ફ્રોડ APKથી ઇ-ચલણના નામે ઠગાઈ: સુરતમાં ₹9.60 લાખની છેતરપિંડી, મુંબઈથી બે ઝડપાયા
સુરત, 09 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં ઇ-ચલણના બહાને એક નાગરિક પાસેથી ₹9.60 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી અને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં દરોડા પાડી બે આરોપીઓને
Fraud


સુરત, 09 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં ઇ-ચલણના બહાને એક નાગરિક પાસેથી ₹9.60 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી અને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં દરોડા પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ કેસમાં ઠગોએ વોટ્સએપ મારફતે ‘RTO CHALLAN-1.apk’ નામની શંકાસ્પદ ફાઈલ મોકલી હતી. પીડિત વ્યક્તિએ ફાઈલ ખોલતા જ આરોપીઓને તેમના મોબાઈલનો રિમોટ ઍક્સેસ મળી ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ પીડિતના HDFC બેંક ખાતામાંથી ભાગે-ભાગે ₹9.60 લાખ યસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 18 વર્ષીય વિદ્યાર્થી વૈષ્ણવ દાંગડ અને રિક્ષાચાલક નિલેશ કલમ્બેએ ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે બેંક ખાતું ખોલાવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ માત્ર ઠગાઈના નાણાં મેળવવા માટે થતો હતો. રૂપિયા જમા થતા જ તેઓ ચેક અને ATM મારફતે રકમ ઉપાડી લેતા અને પોતાનું કમિશન રાખીને બાકી રકમ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતા.

પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ તેજ બનાવી છે અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. સાથે જ નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ સરકારી વિભાગ APK ફાઈલ મોકલતું નથી, તેથી અજાણી લિંક્સ અથવા ફાઈલોથી દૂર રહેવું અને ઠગાઈની શંકા થાય તો તરત 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande