
ભાવનગર, 09 એપ્રિલ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ અંતર્ગત શહેરની સ્વચ્છતા વધુ સુધારવા અને રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરની હાલની સ્વચ્છતા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન કચરો સંકલન, ડોર-ટુ-ડોર કલેક્શન, વેસ્ટ સેગ્રેગેશન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. કમિશનરે જણાવ્યું કે શહેરને સ્વચ્છ રાખવા માટે માત્ર મ્યુનિસિપલ તંત્ર જ નહીં પરંતુ નાગરિકોની સહભાગિતাও એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ અભિયાન યોજવાના પણ સૂચનો આપવામાં આવ્યા હતા. વિવિધ ઝોનમાં સ્વચ્છતા કામગીરીની પ્રગતિનું વિશ્લેષણ કરી જ્યાં ખામી જણાઈ ત્યાં તાત્કાલિક સુધારા લાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.બેઠકના અંતે કમિશનરે તમામ વિભાગોને ટીમવર્ક સાથે કાર્ય કરવાની અને શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ સ્થાન અપાવવા માટે સમર્પિત પ્રયત્નો કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભાવનગરને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે સતત પ્રયત્નો અને લોકોના સહકારથી જ સફળતા મેળવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT