
અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) :
અમરેલી જિલ્લાના કેરિયાનાગસ જિલ્લા પંચાયત બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઉભી રહેલ ઉર્વશીબેન મયુરભાઈ કથીરીયાએ ગામમાં જનસંપર્ક અભિયાન તેજ કર્યું છે. આ અંતર્ગત કેરિયાનાગસ ગામે મેલડી માંના તાવા પ્રસંગે તેમણે ગ્રામજનો સાથે મુલાકાત કરી અને લોકચર્ચા યોજી હતી.
આ પ્રસંગે ઉર્વશીબેન કથીરીયાએ સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ, જરૂરીયાતો અને અપેક્ષાઓ અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનો દ્વારા પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ અંગે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારે લોકોને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ચૂંટાઈ આવશે તો વિસ્તારમાં વિકાસ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક વર્ગના લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે.
મેલડી માંના ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે આ કાર્યક્રમને લોકસંપર્ક માટે સારો અવસર મળ્યો હતો. આ કાર્યક્રમથી આપ પાર્ટીનું પ્રચાર અભિયાન વધુ સક્રિય બન્યું છે અને આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai